શ્રી સ્વામીનારાયણ મંદિર ( સ્ત્રીઓ માટે )

ભગવાન સ્વામિનારાયણની પ્રુથ્વી પર હાજરી હતી ત્યારે પણ અનુયાયી હરિભક્તો હતા. સિધ્ધપુરૂષ મુકત રાજશ્રી સદ બાલમુકુન્દદાસજી સ્વામીએ સ્વહસ્તે કુંકાવાવમાં વિશાળ મંદિર કરાવેલ છે. સંપ્રદાયના બંધારણ મુજબ પહેલેથી જ સ્ત્રી-પુરુષોના અલગ મંદિર બનાવેલ હતા.

સ્વામી બાલમુકુન્દદાસજી સ્થાપિત મંદિર માટે કુંકાવાવમાં રાજરાણી શ્રીમતી કમરીબાઇએ હાલના બંને મંદિરો માટે સૂર્યચંદ્દ્ર તપે તેટલા સમય સુધીની જમીનો કૃષ્ણાર્પણ કરેલ હતી. ત્યારબાદ તે મંદિર જીર્ણ થતાં ૧૦૦ વર્ષ બાદ ફરી પુરૂષોનું મંદિર ઇ.સ.૧૯૮૭માં જીર્ણોધ્ધાર પામ્યું અને નવ રચિત મંદિરનો ક્રમે ક્રમે વિકાસ થતા ટાવર શિખર વગેરેના કામો થયા છે અને તેની મૂર્તિ પ્રતિષ્ઠા રાજકોટ ગુરૂકુલ સંસ્થાપક પ.પૂ.સદ શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી એ કરેલી હતી.

કુંકાવાવનો સ્વામિનારાયણ સત્સંગ સમાજ એક્તા, ધાર્મિક શ્રધ્ધા અને શ્રી હરિની નિષ્ઠાપૂર્વક ભકિતભાવથી કોઈપણ જાતના અન્ય ફંડફાળા રહિત છે કેવળ કુંકાવાવના હરિભકતો દ્વારા જ મંદિરોના નિર્માણ થયેલ છે અને અત્યારે પણ હરિભક્તોના સહકારથી જ વિકાસ પામી રહેલ છે. અહીં મંદિરમાં પરમ એકાંતિક ભકતરાજ હીરજીબાપા ઠુંમરે પચાસ વર્ષ સુધી મંદિરમાં જ રહી સેવા પૂજા કરી રહયા છે.

હાલ પોપટભાઇ ડોબરીયા પૂજા કરી રહ્યા છે આ બંને મંદિરનું કોઇ પણ કાર્ય સેવાભાવથી જ થાય છે કોઇ નોકર કે પગારદારથી કામ કે સેવા થતી નથી. આદિ કોઠારી શ્રી નાનજીબાપા બાબરીયા પછી ગોવિંદબાપા વઘાસીયા, ક્રમે ભગવાનભાઇ ઠુંમર પછી થી હાલ વજુભાઇ બાબરિયા બંને મંદિરોમાં કોઠારી તરીકે સેવા કરી તેમજ સંત્સંગનો તથા મંદિરોનો ભાવથી વિકાસ કરી રહેલ છે. વજુભાઇ જેરામભાઇ નાનજીભાઇ બાબરીયા એટલે નાનજીબાપાના પૌત્ર ફરી કોઠારી થયા છે.

જયારે મંદિર બંધાયું ત્યારે આગેવાન હરિ ભક્તોમાં નાથાભાઇ જે. દેવાણી તથા જાદવજી દામોદર જીણાભાઇ વિઠ્ઠલાણી, કાનજીભાઇ રામજીભાઇ સોની તથા માવજીભાઈ વશરામભાઈ ઠુંમર વગેરે હરિભક્તો હતા. પુરૂષોના મંદિરની પ્રતિષ્ઠા તા.૨૦/૯/૧૯૮૭ ના રોજ થઈ હતી.બહેનોના મંદિરમા ૧૯ માં પ.પૂ. શાસ્ત્રી ધર્મપ્રકાશ સ્વામી માણાવદર હસ્તે બનેલ અને મૂર્તિપ્રતિષ્ઠા પણ તેઓના હસ્તે થયેલ છે. બહેનોનું મંદિર પૂર્વ સદગુરૂ ગોપાનાથજી પુરાણી સ્વામીએ બનાવેલ અહીં પણ સેવાભાવથી કાર્ય થાય છે કોઇપણ પગારદાર નોકર નથી અને ફંડફાળો પણ લેવામાં આવતો નથી. સ્ત્રી ભકતો સેવાભાવથી જ કાર્ય કરે છે અને પૂજા પાઠ કરે છે. બહેનોનું મંદિર જે અત્યારે છે તે પ.પૂ. શાસ્ત્રી ધર્મપ્રકાશ દાસજીએ બનાવેલ છે તેની સ્થાપના તા.૨૪-૭-૧૯૭૭ ના રોજ થઇ છે.

શ્રાવણમાસમાં બંને મંદિરમાં મોડીરાત સુધી ધૂન-ભજન-કિર્તન થાય છે અને તેના ધૂન-ભજન-કિર્તન દૂર દૂર સુધી મધૂર કંઠે ગવાતા સંભળાય છે. બહેનોના મંદિરમાથી ધૂનના અવાજની સાથે આવતા ઘૂઘરાના અવાજો અને ભજનો રસ્તે અવર-જવર કરતા લોકોને સાંભળવા માટે મંત્રમુગ્ધ કરી દે છે. દરવર્ષે પુરુષોના મંદિરમાં દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહ પણ થાય છે તથા દરેક તહેવાર ને બંને મંદિરમાં ધામધૂમ થી ઉજવવામાં આવે છે. અગિયારસ, જન્માષ્ટમી, રામનવમી, હોળી, દિવાળી, હિંડોળાદર્શન બધી ઉજવણી અહીં ભાવપૂર્વક કરવામાં આવે છે.

કુંકાવાવ ગામના થયેલ ત્યાગી સંતો :

(૧) શાસ્ત્રી શ્રી ક્રુષ્ણ વલ્લભાચાર્યજી – દેવાણી પરિવાર
(૨) પુરાણી શ્રી મોહન પ્રસાદદાસજી – આંસોદરિયા પરિવાર
(૩) પુરાણી શ્રી હરિનારાયણદાસજી – શેખડા પરિવાર
(૪) પુરાણી શ્રી ધર્મ વલ્લભદાસજીદાસજી- વઘાસીયા પરિવાર
(૫) શ્રી સાધુ મોહનપ્રસાદદાસજી – દેવાણી પરિવાર

આમ કુંકાવાવ અનેક ત્યાગી સાધુ પુરુષો અને સંતોની ત્યાગભૂમિ તરીકે ઓળખાય છે.