શ્રી રામજીમંદિર

કુંકાવાવ ગામનો ચોરો એટલે કે રામજીમંદિર. શ્રી રામજીમંદિરની સ્થાપના સૌપ્રથમ ગામનું તોરણ બંધાયુ તે પહેલા આ મંદિરની સ્થાપના થઈ હતી. આ મંદિર ઘણા વર્ષો જૂનું મંદિર છે.શ્રી રામજીમંદિર કુંકાવાવની મધ્યમાં આવેલું મંદિર છે, તેથી આ મંદિરને કુંકાવાવનું હદય કહો તો પણ ચાલે. શ્રી રામજીમંદિર રાજા-શાહીમાં સ્થાપવામાં આવેલું પુરાતન મંદિર છે.

શ્રી રામજીમંદિરના સૌપ્રથમ મહંત શ્રી દયારામ ભગવાનદાસ બાપુ હતા. અને અત્યારે હાલમા મહંત તરીકે શ્રી બળવંતભાઈ લખીરામ બાપુ લશ્કરી સેવા-પુજા-પાઠ કરી રહયા છે. શ્રી રામજીમંદિર નો જીર્ણોદ્વાર ૨૦૦૩-૨૦૦૪ મા થયો હતો. અને નવા મંદિરમાં ભગવાનની નવી મુર્તિ સ્થાપવામાં આવેલ છે.

મંદિરમાં શ્રી રામ, લક્ષમણ, સીતાજી, અને ભકત હનુમાનજીની મૂર્તિ મધ્યમાં બિરાજે છે.તેની ડાબી બાજુ રાધા-કૃષ્ણ અને જમણી બાજુ લક્ષમી-નારાયણની મૂર્તિ બિરાજે છે. સુંદર વસ્ત્રો અને આભૂષણોથી આ મૂર્તિઓ ખુબજ સુંદર લાગે છે. મંદિરના બાંધકામ અને શિખર બનાવવા તથા કોતરણી અને શિખરના કામ માટે જામ-જોધપુર,વડિયા અને કુંકાવાવ(મોટી)ના માણસો (કડિયા)ને બોલાવવામાં આવ્યા હતા. મંદિરના બાંધકામનો અંદાજીત ખર્ચ ૧૨ થી ૧૪ લાખ રૂપીયા થયેલ હતો.

મંદિરમાં ઘૂમટમાં જે રાધા-કૃષ્ણ ની રાસલીલાનું સુંદર રીતે ચિત્રકામ કરવામાં આવ્યું છે તે આ મંદિરની શોભામાં ચાર ચાંદ લગાવે છે. શ્રી રામજીમંદિરનું શિખર કુંકાવાવમાં સૌથી ઉંચા શિખરમાંનું એક છે. મંદિરના પરિસરમાં ભોળાનાથ(રામેશ્વર મહાદેવ)બિરાજે છે. જયારે પરિસરમાં બહાર મંદિરની ડાબી બાજુ શ્રી ગણપતિ દાદા અને જમણી બાજુ હનુમાનજી દાદાની મૂર્તિઓ બિરાજે છે. હનુમાનજીની મૂર્તિ ખુબજ પ્રાચિન તેમજ મંદિરની સ્થાપના થઈ તે સમયની હોય તેવું જાણવા મળ્યુ છે.

પાછળ