શીતળ સાંજ

નદી નથી તો પણ પાણીનો નદી જેવો પ્રવાહ ગામને પાદરે વહે છે. ખરેખર તો અહીં તળાવ હતું. વચ્ચે એક ખજુરીનું વૃક્ષ હતું. અનુપમ સૌંદર્ય હતું. આજે તો આ ઊંડાણવાળી જગ્યાનો ઉપયોગ કરીને લોકોએ કાયમી પાણીના સંગ્રહાર્થે એક ચેક-ડેમ બાંધ્યો છે. તે તેની સપાટી કુદીને જ્યારે ધોધ સ્વરૂપે પડતો હોય છે… ત્યારે લોક કલ્યાણ અર્થે ઊભી થયેલી સૌરાષ્ટ્ર જળધારા ટ્ર્સ્ટ અને નગરજનોની ઉત્ક્રુષ્ટ કામગીરીને વખાણવી રહી. વર્ષો પહેલા-કાળના પડદા ઊંચકીને વેદકાળનો ઉલ્લેખ કરીને અહીંના સંત સ્વામી કૃષ્ણ વલ્લાભાચાર્યએ તેમના સંસ્કૃતમાં લખયેલા પુસ્તક ‘લક્ષ્મી નારાયણ સંહિતા ‘ માં લોમસ રૂષિનો આશ્રમ અને અશ્વપટ સરોવરની મનોરમ્ય કલ્પના કરી છે. તે અસ્થાને નહિ હોય! બલ્કે આ તટે એમજ હશે.સૂર્યોદય અને સૂર્યાસ્ત દરેક જીવને ‘જીવન’ બક્ષતી આ ઘટના ભિન્ન ભિન્ન હશે… તેને જોવાના દ્રષ્ટિકોણથી સૂર્યાસ્તની ઘટના એટલે કુંકાવાવના પાદરમાં સાંજને મુગ્ધભાવે માણવાની ઘટના – તમે જોઇ છે ! મેં તો જોઇ છે. કવિ મેંઘાણીએ લખ્યું છે ‘ કુંકાવાવ તો ગિરનું પ્રવેશદ્વાર હતું. આજે તો એ જંગલ કપાતું કપાતું ઘણં આગળ વધી ગયું છે. ‘ પણ મહારાજ ભગતસિંહજીએ બાંધેલા નાની રેલ્વે લાઇનના ચૂના પત્થરમાં બાંધેલા એ નાળા પરથી પશ્વિમની સંધ્યા સામેનો મંદ સ્મિત સાથેનો તેનો ચહેરો હોવો એક અજનબી છે. રેવતાચળ પર્વતના બે શિખર અને આખીયે શિખરમાળા અને પાછળ સૂર્ય જાણે સમાધિસ્થ યોગી સમો બેઠો છે. છેલ્લું તેનું સંધ્યાનું ગાણું ગાતું મુખારવિંદ આવતી કાલનો કોલ આપીને વિદાય લે છે. બરાબર આજ સમયે પક્ષીઓ પોતાના બચ્ચાં જ્યાં જે બેઠાં છે. તે નિજના માળામાં પહોંચવા ઊડતા જઈ રહ્યા છે… કુંકાવાવનું આ SUN SET POINT છે. બાજુમાં જ બગસરા ગોંડલને જોડતો રસ્તો છે. પદયાત્રીઓ આ રસ્તે જ પોતાની જાત્રા જુહારે છે.

આટ આટલા વાહનવ્યવહાર વચ્ચે પણ ગાડા-ખેડુ બળદને મીઠા લ્હેકે ઘરે પહોંચવાને લલકારતો હોય છે. અને બળદ પણ માલિકની ભાષા સમજે છે. તેનું આંગણું અને રસ્તો ભૂલતા નથી. સવારની સીમમાં ગયેલી ધેનુઓ તેની મીઠી ઘૂઘરીના રણકારે પગની ખરીઓમાં મેલી ધૂળ ઊડાડતી ગામ તરફ આવી રહી છે. ગામમાં અને ગામથી દૂર મંદિરનો ઘંટારવ શાંતિને ચિરતો સીમાડાને સુંઘતો આગળ વધે છે.ગામમાં ગૌશાળા છે. ગાયોના નીરણ અર્થે વાર તહેવારે ભજન-ધૂન ચાલતી હોય છે. એવી જ ત્વરાએ ટેવવશ લોકો સાંજનું વાળું કરીને કેટલાક મંદિરે પહોંચે છે. કેટલાક ઓટલે બેસે છે… અખબારમાં જેમ સમાચારની વિવિધતા હોય તેમ આ લોકોની ચર્ચામાં પણ વિવિધતા હોય છે. પાન-તમાકુંની કેબિનો સામે પણ ઊભા રહી જાય છે. ટી.વી. દર્શન કરતા કરતા ‘ જાણવા કરતા માણવા ‘ નો પ્રયત્ન કરે છે.

રમ્ય સાંજનું ને પછી રમ્યરાત્રિનું અસલ દર્શન તો રાત્રે જ જોવા મળે… ચોકમાં બહેનો-માતાઓ તેમના હૈયે વસેલા કિર્તનો મીઠા સુરે ગાય છે. ગાવાનો ક્રમ પૂરો થયા પછી ‘ સખ-દખની ‘ જાણે કે આપ-લે થતી હોય તેમ એક શ્રોતા અને એક વકતાનો સુમેળ સધાય છે… આવું તો દરેક ચોકમાં, નાના ભૂલકાઓ ઘરે ગમતી ટી.વી. સિરિયલો જુએ છે.

સાંજના સમયનો દરેક રસ્તો કંઈ કેટલાય વિચારને અવધોળીને આગળ ધપે છે. કેટલાક દેવમંદિરે દર્શનાર્થે તો કેટલાક ફરવા કે ચાલવા નીકળે છે. પણ આ ઘટના પરિશ્રમ કરીને ચાલતા શ્રમિકો અને ઘરથી બહાર ફરવા જનાર પર્યંટકો વચ્ચે કયારેક તો અદ્ ભૂત તારામૈત્રક રચતી બને છે. તેમ છતાં દરેક ફરવા જનાર પરનો ભાવ એટલું તો અવશ્ય કહે છે કે ” આજની સાંજ માણી લઈએ.. ” ” આ રમ્ય સાંજનું ટાણું મારું એકલાનું જ છે. ”

લેખક :- કિશોરચંદ્ર ર. ત્રિવેદી.
C/O શ્રી એન.એમ.શેઠ કુમાર હાઇસ્કૂલ
કુંકાવાવ – મોટી. જિ. અમરેલી.