શ્રી લક્ષ્મીકાન્ત ધર્મશાળા

પરોપકાર વૃતિ દાન ધર્મ એ મનુષ્ય માટે સદ્ તરફ લઈ જનાર, ઉન્નતિ તરફ લઈ જનાર પગથિયા છે. આત્માનું તો ભલુ થાય જ છે પણ સંસારીજીવોનું પણ ભલું થાય છે. દયાદાન અને યથાશકિત મદદ કરવી એમાં જ મનુષ્ય જીવનની સાર્થકતા છે.

વણિક જ્ઞાતિના શેઠ લક્ષ્મીદાસ જેઠાભાઈ એ વિધા ઉત્તેજનાર્થે મફત વાંચનાલય, સાધુ-સંત, અશકત અને નિરાધાર માટે સદાવ્રત, દરદીઓ માટે વિનામુલ્યે દવાખાનુ, જ્ઞાતિભાઈઓ માટે સેનેટેરીયમ અને મુંગા પ્રાણીઓ માટે પાણીના અવેડાની સગવડ તથા મુસાફરો માટે કુંકાવાવ ગામે ધર્મશાળા બંધાવી જે મહાપૂણ્યનું કામ કર્યું છે.

બરાબર આજથી ૯૦ વર્ષ પહેલાં આ દીર્ધદ્રષ્ટા શેઠ લક્ષ્મીકાન્તભાઈ એ સંપત્તિનો સદ્ ઉપયોગ કરીને અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

આ દરિયાદિલ ના શેઠ લક્ષ્મીદાસ જેઠાભાઈ તા. ૧૬-૧-૧૯૨૧ ના રોજ સંવત ૧૯૭૬ પોષ-વદ-૧૧ ને શુક્રવાર ના દિને રાજકોટવાળા શેઠ ભગવાનજી ભાણજીના શુભહસ્તે આ ધર્મશાળા ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે જ્ઞાતિજનો ને બીજા મુંબઈ અને બહારગામથી અને તે વખતે ઓળખાતા પ્રાન્ત
કાઠિયાવાડના થઈને આશરે ૧૫૦૦ ભાઈ-બહેનો એ હાજરી આપી હતી.

આ ધર્મશાળાનું ક્ષેત્રફળ ૯૦૦૦ વારથી પણ વધારે છે અને વધુ જમીન સંપાદન કરવા શેઠનો પ્રયત્ન ચાલુ હતો તેવી તે સમયની નોંધ વાંચતા માલુમ પડે છે.

વિશાળ ધર્મશાળાના નિર્માણ માટે તે વખતના બિલખા દરબાર શ્રી એ જમીન કાઢી આપેલી ‘બિલખાનો ઉતારો’ એવું નામ એક ઓરડા પર જોવા મળે છે.

કુંકાવાવ સ્ટેશનથી બગસરાના રસ્તે આ મકાન આજે પણ ઊભું છે. સડક ઉપરના મુખ્ય દ્વારના મજલા પર મફત દવાખાનું તથા મુસાફરોને યોગ્ય વાંચનાલયની ગોઠવણ કરવામાં આવેલી. બહારના ભાગે ઢોર સાટું પાણીનો અવેડો બાંધેલો છે. પ્રવેશ્દ્વારમાં ડાબા હાથ ઉપર ઓરડાની હાર આવેલી
છે. આગળ જતા એક માળની સુંદર ભભકાદાર બાંધણીવાળો અને રંગબેરંગી ધાર્મિક ચિત્રોથી શણગારેલો એક બંગલો તથા બંગલાનો પ્રથમભાગ શેઠ પોતાના પરિવારના વપરાશ માટે રાખ્યો હતો અને બીજો અર્ધો ભાગ સેનેટેરીયમ તરીકે વાપરવા ખુલ્લો રાખેલો, બંગલાની બાંધણી તે વખતના બાંધકામ અને કલાની દષ્ટિએ સુંદર કહી શકાય તેવી છે. રેતીનું ચોગાન વટાવો પછી એક સુંદર બગીચો પણ બનાવેલો. ત્યારે તો કુવા અને લીલી શાકભાજી ની હરિયાળી મન-હદયને પણ શીતળતા આપતી હતી.

– સૌ મુસાફરો માટે વાસણો-પાગરણ-પાણી તથા રહેવાના દરેક સાધનો આપવામાં આવતા અને નિરાધારોને કાયમી સદાવ્રત અપાતું.