રમણીય સવાર

ધાર્મિક ભક્તિ-ભાવ અને શ્રધ્ધાની ભીનાશમાં રંગાયેલું ગામ. તેના નર-નારીઓ બ્રાહમ-મુહૂર્તમાં જાગી જાય છે.રાત્રિના ખડે પગે પ્રકાશનો પહેરો ભરતા વીજળીના થાંભલા અને તેની શાંત શેરીઓમાં રેલાતા તેજ-પુંજની અવધિ જાણે કે પૂરી થઈ હોય તેમ પૂર્વ દિશાએથી ઉષા દેવી સ્વયં જાણે કે કુમ કુમ પગલા પાડે છે.

લોકો તાજા ખીલેલા પુષ્પોને ચુંટી શ્રધ્ધા-સુમનના અર્ધ્ય પોતાના ઇષ્ટ દેવને સમર્પિત કરે છે.વગડાના વાસંતી વાયરાએ કોઇ સીમા બાંધી નથી. નાના પક્ષીઓનો કલશોર અને અધિક તો ઝાડની ડાળીઓમાં લપાયેલા ટહૂકા કુંકાવાવની સવારના માધૂર્યની છડી પોકારે છે. ડોલતી ડાળીઓના પાન પર જ્યારે તેનું પ્રથમ કિરણ પડે છે ત્યારે વનરાજી જ નહિ સ્રૂષ્ટિના અંગ અંગમાં જીવનરસનો જામ છલકવા માંડે છે. દૂર દૂર ક્ષિતિજની સોનેરી ધાર હસતી-રમતી દેખાય છે. લોક્જીભે વહેતા પાણીના એક પ્રવાહને ‘સોનલ’ નામ આપ્યું છે. અમરેલી શહેર તરફના નાના બ્રિજ પરથી પ્રાંતોદયનું આ દ્રશ્ય પીવું એક લ્હાવો છે.

ક્રુષિધરનો જીવનરથ બળદની કોટે બાંધેલી ઘૂઘરીના રણકાર સાથે ઘર છોડે છે. અને પોતાની સીમ-વાડીનો રસ્તો શોધે છે. ગૃહિણીઓ ભેંસ દોહવાની અને વધેલું દૂધ ડેરીએ પહોંચ્તું કરવામાં પ્રવૃત્ત હોય છે. હવે તો નાની ડેરી ગામમાં થઈ ગઈ છે.

અમરેલી…ગોંડલ અને બગસરાના રસ્તાઓને જોડતું કુંકાવાવ ગામ. એક કાળે રેલ્વે સ્ટેશનની જાહોજહાલી હતી. અને કાળા-પટ્ટાની ચા તરીકે પ્રખ્યાત હતું. હવે એસ.ટી. બસોની આવન-જાવન શરૂ થાય છે. બસમાં બેઠા બેઠા બજારની તાજગી જોવાની પણ એક મજા છે. ભક્તના ચેતનસભર ચહેરાપરની લાલીમા અને સામે દેવમંદિરમાં બિરાજમાન મૌનમૂર્તિનું મોહક સ્મિત… સૂર્ય મહારાજની પ્રથમ કિરણની રેલાતી ટશર આ દ્રશ્યની ત્રિવેણી ઘડી-બેઘડી નહીં આખા દિવસનું ઓજસ પુરું પાડે છે.

વહેલી સવારે બાળકોના રડવાનો અવાજ સંભળાય છે પણ એ અવાજ માતાને સમીપ લાવવાની ફરિયાદ વ્યકત કરતો હોય તેવો છે.

સવારમાં છાપાંની ગાડી આવી ગઈ હોય છે. અહીંથી આજુ બાજુના ગામે છાપાં પહોંચે છે. નવા સમાચારની તાજગી પ્રત્યેક સવારને સલામ બક્ષે છે.લોકો વહેલી સવારે ચાલવા નીકળે છે. કોઇ પ્રભાતને માણવા નીકળે છે. જીવન અને મુકતજીવનનો અહેસાસ જોવા મળે છે.વિદ્યાર્થીઓ પોતાના નિજી અભ્યાસ અર્થે શાળા યુનિફોર્મમાં સજ્જ થઈને મુખ્ય રસ્તે પસાર થાય છે. પક્ષીઓના કલરવની મધુરય તેમની ચેતનવંતી બોલીના લ્હેકામાં પડઘાય છે. એક અદભૂત કલશોર જામે છે.

શાકમાર્કેટમાં વહેલી પરોઢે લીલા શાકભાજીના વેગન ઠલવાય છે. ભાવતા શાકભાજીના ભાવ ઊંચા સાદે બોલાય છે. ત્યારે કોઇ પોતાની નાની લારી સાથે નીકળેલો આરાધક નરસિંહના પ્રભાતિયા નિજાનંદના કેફથી ગાતો હોય છે. મીઠી હલકનું માધૂર્ય એ ટપુભાઇ ગોયલ. એ સ્વર કયા લોકમાં
ગાતો હશે !

ગામમાં નિયમિત એક મંડળી વહેલી પ્રભાતે રામધૂન બોલાવતી નીકળે છે. હાથમાં મંજીરા અને કરતાલ સાથે નીકળતી આ મંડળીનો વર્ષો જુનો ક્રમ વણતૂટ્યો છે. નિયતચક્ર પુરું કરીને મંદિરે આવીને વિરામ લે છે.

લેખક :- કિશોરચંદ્ર ર. ત્રિવેદી.
C/O શ્રી એન.એમ.શેઠ કુમાર હાઇસ્કૂલ
કુંકાવાવ – મોટી. જિ. અમરેલી.