ખોડિયાર માં તથા અંબાજી માતાજી મંદિર

શ્રી સ્વ.પૂ.હરદાસબાપા કુનડિયા ના પરીવારે આ ખોડિયાર મંદિર તેમજ અંબાજી મંદિર ની સ્થાપના કરેલી છે. મંદિર ની સ્થાપના ચૈત્ર સુદ-૫ ના રોજ ૧૯૮૩ મા થઈ હતી. જેનો જીર્ણોદ્વાર ચૈત્ર સુદ-૫ ને તા-૭/૪/૨૦૦૩ ના રોજ કરવામાં આવ્યો હતો.માતાના મંદિર નો સંપૂર્ણ વિસ્તાર શિક્ષક સોસાયટી તરીકે ઓળખાય છે. સાંજના સમયે નોકરીયાત વર્ગ નોકરી પરથી આવતા હોય ત્યારે માતાના મંદિરમાં આરતીનો ઘંટારવ સાંભળતાજ માથુ નમાવી દર્શન કરી માતાજીના આશિર્વાદ મેળવે છે અને પોતાના આખા દિવસના થાકને ઉતારે છે.

માતાના દર્શન કરતા જ દિવસ ભરનો થાક ઉતરી જાય છે અને સ્કૂર્તિનો અનુભવ કરે છે. માતાની મૂર્તિ પણ ખુબ જ સુંદર છે. નવા-નવા વસ્ત્રો અને સાથે દૈદિપ્યમાન માતાની મૂર્તિની નવરાત્રિમાં તો શોભા જ કંઈ ઓર હોય છે. અહીંના વિસ્તારની બહેનો નવરાત્રિમાં અહીં ગરબા ગાય છે અને હોમ-હવન પણ થાય છે. મંદિરના પ્રાંગણમાં હોમ-હવન માટે યશ કુંડ પણ આવેલો છે.

ફૂલોથી સુશોભિત સુંદર દરવાજાની વચ્ચેથી રસ્તા પરથી આવતા જતા દરેક વ્યક્તિ ને માતાની મૂર્તિના દર્શન થઈ શકે છે. અહીં મંદિરના પ્રાંગણમાં સુંદર ફૂલછોડ પણ આવેલા છે જે માતાની પૂજા આરતીમાં વપરાય છે. આમ, આ મંદિર શિક્ષક સોસાયટી તથા કુંકાવાવનાં ગ્રામજનોની આસ્થાનું
પ્રતિક છે.