કુંકાવાવ

ઓંઘડવાળાને ત્રણ પુત્રો. આલાવાળા, ચોંમલાવાળા, સાતાવાળા.જેમાં આલાવાળાના વંશમાં દેવદાનવાળા,કાળાવાળા, નાજાવાળા અને કાથડવાળા થયા(૧૯૪૮) અને જે કાથડવાળાથી બીલખાનો એક ભાગદારનો નિર્વંશ ગયા. જે વાળા શ્રી કાથડ નાજા જેતપુર-બીલખા ઈસ્ટેટ ગણાતું. સાતાવાળાના વંશમાં ભીમાવાળા થયા. તેમના બે પુત્રો આલાવાળા અને દેશાવાળા. આલાવાળાના રામવાળા અને છેલ્લા રાજ્વી રાવતવાળા(૧૯૪૮).

દેશાવાળાને બે પુત્રો થયા ભીમાવાળા અને ભાણવાળા. ભીમાવાળા નિર્વંશ હતા.અને ભાણવાળાના પુત્ર અમરાવાળાને બરવાળા તાલુકો અને બિલખાનો મજમુતો ભાગ મળ્યો હતો. દ. શ્રી રાવતવાળા એ આલાવાળા ગ્રુપના રાજવી હતા. કુંકાવાવના દસ્તાવેજી કાગળોમાં દ.શ્રી આલાવાળાની સહીઓથતી. આલાવાળાના પુત્રોને જે ગરાસ મળ્યો હતો તે બધા આલાવાળાના ગ્રુપ-એ સ્ટેટના નામે ઓળખાતા. રાવતવાળાનો જન્મ તા.૧૯- ૦૧- ૧૯૦૬ના રોજ થયો હતો. વર્ષ ૧૯૨૦માં રામવાળા આલાવાળાનું અવસાન થતા રાવતવાળા ગાદીએ બેઠા હતા. રાજકુમાર કોલેજના વિદ્યાર્થી. તેમણે ૨૩- ૦૭ -૧૯૨૦ના રોજ સત્તા હાથમાં લીધી. તેમણે ટીલાયત ધારો અમલી બને તે માટે અરજ કરી હતી. એ સમય ગાળા દરમ્યાન તેમને કાથડ-નાજા એસ્ટેટનો ગરાસ મળતા તેઓ તા. ૧૯- ૦૧- ૧૯૨૮ ના રોજ ગાદીએ બેઠા.૧૯૩૫માં બીલખાને રાજ્યનો દરજ્જો અપાવનાર હતા.તેમને તા. ૨૫-૦૫-૧૯૨૮થી કેટલાક અંગત અધિકાર અપાયેલા તેમાં તેઓ ફોજદારી કેસોમાં ત્રણ વર્ષની સજા કરી શકતા અને રૂ|. ૫૦૦૦ સુધી દંડ કરી શકતા, અને દીવાની દાવાઓમાં રૂ|. ૧૦૦૦૦ સુધીના સાંભળી શકતા.

કુંકાવાવ મોટી એ પાંચ પાટીમાં વહેંચાયેલું ગામ હતું. રાજમાતા – કમરીબાઇનું નામ કુંકાવાવના દેવસ્થાનોને બક્ષિસ અપાયેલી જમીન અને દેવમંદિરોને અર્પણ થયેલી જમીન સાથે જોડાયેલી છે. જેમ કે ખાખીની જગ્યાની જમીન. ૨૦૦ વીઘા આસપાસ. રામજીમંદિરની જમીન ૧૫૦ થી ૨૦૦ વીઘા. હવેલીની જમીન ૧૫૦ વીઘા. મેઘાણીએ સૌરાષ્ટની રસધારમાં ‘રખાવટ’ વાર્તામાં જે વાત કરી છે તે ભગતની જગ્યાને અપાયેલી જમીન લગભગ ૪૦૦ વીઘા જેવી જમીન હતી. આઝાદી પછી ગણોતધારો આવતા આ મંદિરના નિર્વાહ અર્થે મળેલી જમીનો જે ખેડૂતો તે સમયે વાવતા તેને હસ્તક રહી. મુખ્ય દરબાર શ્રી રાવતવાળા. પરંતુ બીજી ચાર પાટીમાં આ ગામ વહેંચાયેલું હતું. ગામથી આથમણી બાજુ નાજાપુર દરવાજા-

(૧) દેવડુ બાપુ (ઠેબાણી પાટી)

(૨) હાથીવાળા

(૩) જીવાવાળા

(૪) ડોહાબાપુ (મેનેજર પાટી)

ગામનું હાલનું પ્રવેશદ્વાર કે રજવાડી દરવાજો અને મેડી બંધ મકાન એ સંભારણું આજે અણનમ છે. જે દરબારી કચેરી હતી, પછીથી ત્યાં ગ્રામ પંચાયતની કચેરી બની હતી. ગામને ફરતા દરવાજા હતા. આજે તેના શેષ – અવશેષ પણ બચ્યા નથી. પહેલો દરવાજો હાલનો હાર્ડવેર અને મોહનભાઇ ચાવડા (દરજી) જે દોઢી દુકાનમાં ફેરવાઇ છે, ત્યાં દરવાજો હતો. બીજો લીંબડા ચોકમાં. ત્રીજો નાજાપુરનો દરવાજો.

ગામની જમીન રસ-કસવાળી હોઇ પહેલા કાલા-કપાસના જીન હતા. એમાંનું એક જીનનો વહીવટ અહીંના મોદી પરિવાર સંભાળતા. સમય જતા મિલ થયા. તેવા મિલ પણ દસ થી બાર હતા. બીલખા દરબારે મારવાડી શેઠ બ્રીજરાય, અને બિલાસરાય બંને ભાઇઓને પટ્ટેથી જમીન આપેલી. ત્યાં મોટું ઓઇલ મિલ હતું.આજે જ્યાં અદ્યતન નિવાસ સ્થાનો બન્યા છે તે પ્રાથમિક શાળા સામેનો ભાગ. આ ઓઇલમિલના માલિકો મુંબઈથી વહીવટ કરતા. સૌરાષ્ટ્રમાં ઘણે ઠેકાણે મિલો સ્થાપેલી. આ મિલનો વહીવટ અહીંના મોદી કુટુંબ કરતા, ૧૯૪૯ સુધી ચાલતું. ભાઇઓ વચ્ચે વાંધો પડતા બંધ પડ્યું. પછીથી તેનો વહીવટ વી.પી. શેઠ અને ત્યાર પછી વજુભાઇ શાહ કરતા.દેરડી, લુશાળા અને કુંકાવાવ મિલો હતી. અત્યારનું નીલકંઠ-પાર્ક તે ૧૫૦ વર્ષ પહેલાનું જીન છે.

લેખક :- કિશોરચંદ્ર ર. ત્રિવેદી.
C/O શ્રી એન.એમ.શેઠ કુમાર હાઇસ્કૂલ
કુંકાવાવ – મોટી. જિ. અમરેલી.

આગળ પાછળ